આત્મસંતોષ રૂપી ધન
એક સંત મહાત્મા જંગલમાં ઝૂંપડીમાં બેસીને પ્રભુભક્તિ કરતા હતા. એક દિવસ એક વ્યક્તિ તેમની પાસે આવ્યો. તે ખૂબજ ગરીબ હતો. એના મનમાં મહાત્મા પાસે જાઉં. તેઓ ધન આપે. એમ સમજીને આવ્યો હતો. આવીને તેણે મહાત્મા પાસે માગણી કરી.
ત્યાં મહાત્મા બોલ્યા - ભાઈ ! મારી પાસે તને આપવા માટે કશું જ નથી. મારી પાસે તો આ માત્ર વસ્ત્રમાં લંગોટી છે અને આ એક ઉપરણું છે. લંગોટી તો હું ન આપી શકું, પણ તને હું આ ઉપરણું આપું તું લઈ જા. મારી પાસે બીજું કશું જ નથી.
ત્યાં પેલો વ્યક્તિ બોલ્યો - બાપજી ! મારે તમારા ઉપરણાને શું કરવું છે ? મારે તો ધન જોઈએ છે.
સંત બોલ્યા - સારું ભાઈ ! તારે ધન જોઈતું હોય તો એક કામ કર. આ ઝૂંપડીની પાછળ જા. ત્યાં એક પથ્થર પડ્યો છે , એ પથ્થર લોખંડ સાથે ઘસવાથી એ લોખંડ પછી સોનું બની જાય છે માટે તું તે લઈ જા.
પેલો વ્યક્તિ દોડ્યો, પથ્થર લઈને આવ્યો ને બોલ્યો. બાપજી ! પથ્થર નથી આ તો પારસમણિ છે.
એટલે સંતે જવાબ આપ્યો, બેટા ! એ પારસમણિ છે એ હું સારી પેઠે સમજું છું. પણ મારે તે કામનો નથી. મને તો પરમાત્માએ આત્મસંતોષરૂપી ધન આપ્યું છે, એટલે મારે એની ખાસ જરૂર નહોતી પડતી. મારે મન એની કોઈ કિંમત નહોતી. કેમકે ક્ષણિક ઉપયોગમાં આવે, એવી ચીજ શા કામની?
પેલો વ્યક્તિ સંત-મહાત્માની વાત સમજી ગયો ને બોલ્યો - ભગવંત ! જે આત્મસંતોષરૂપી ધન આપની પાસે છે , જેથી પ્રભુકૃપા આપ મેળવી શક્યા છો. હું પણ હવે આપના જ માર્ગે જવા ઈચ્છું છું. મારે પણ હવે પારસમણિ કોઈ ખપનો નથી. એમ કહી, પારસમણિ ફેંકી દીધો ને સંતનો શિષ્ય બની ગયો.


3 Comments
Good story
ReplyDeleteGood story
ReplyDeleteSacho bhagat
ReplyDelete