મોબાઈલે વાતોડીયા અને જુઠુ બોલતા કર્યા

વિજ્ઞાનની બધી શોધખોળો માનવજાતની સુખાકારી અને શાંતી માટે હોય છે. વિજ્ઞાન દિનપ્રતિદિન એટલું બધુ ઝડપથી વિકસી રહ્યું છે કે કુદરતના અનેક રહસ્યોને ઉકેલી માનવજાતને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આજથી ૨૫-૫૦ વર્ષ પહેલાં કોઈએ કલ્પના પણ ન કરી હોય એવા અનેક પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ સાધનો બજારોમાં ઠલવાઈ રહ્યા છે. જેનો બેફામ ઉપયોગ પણ થઈ રહ્યો છે તેના કારણે કેટલીક શોધખોળો ઉપકાર ને બદલે અપકારક નીવડી છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ સમજપૂર્વક કરવામાં આવે તો તેનો લાભ લઈ શકતા હોઈએ છીએ. કોઈપણ વસ્તુ ગમે તેટલી સારી અને ઉપયોગી હોય પણ તેનો અતિરેક ઉપયોગ નુકસાનકારક નીવડતો હોય છે.વિજ્ઞાને એક ઉત્તમ સગવડવાળી, જરૂરી અને ખુબજ ઉપયોગી એવી મોબાઈલની શોધ કરી. મોબાઈલને એવો સરસ પીસ બનાવ્યો કે હાથમાં રાખવો ગમે અને સાથે સાથે વટ પણ પડે. સરળ, સીધો વાપરવામાં સામાન્ય જન સમાજ પણ ઉપયોગ કરી શકે તેવા એક નાનકડા પીસમાં એટલું બધુ ઠાંસી ઠાંસીને અનેક પ્રકારની સગવડો આપણે ન કલ્પી હોય તેવી ભરપૂર માહિતી ભરવામાં આવી છે. મોબાઈલમાં જે સીમકાર્ડ મૂકવામાં આવે છે તે જો રસ્તા ઉપર કોઈ અજાણ્યા માણસને મળે તો તે એક સીમકાર્ડને નાનકડા કાગળનો પીસ સમજે પરંતુ એક નાનકડા સીમકાર્ડથી દુનિયાભરમાં સંપર્ક કરી શકાય છે.
આપણા ઋષિમુનિઓએ જેને યંત્ર વિદ્યા કહેતા હતા એવું આ યંત્ર કહેવાય. આપણા ઋષિમુનિઓ ધ્યાન-યોગ, પ્રાણાયામદ્વારા પોતાના મન ને બ્રહ્માંડમાં મોકલી ખગોળ શાસ્ત્ર જાણી શક્યા અને હજારો માઈલ દૂર વાતચીત કરી શકતા હતા. એવું આ મોબાઈલ યંત્ર છે. આજે હું જોઈ રહ્યો છું કે મોબાઈલનો જે રીતે બેફામ ઉપયોગ થવાના કારણે જરૂર હોય કે ન હોય પણ આજે કાન આગળ લટકતા હોય છે. રસ્તાઓ, ઘર, ઓફિસ, જાહેર સ્થળો, સભાઓ કે મિટીંગોમાં, ટ્રેન, કાર, સ્કુટર કે વાહનોમાં મોબાઈલ રણકતા હોય છે. નાના બાળકો અને વૃદ્ધોને બાદ કરતાં બધાજ લોકો પાસે મોબાઈલ છે. તેના કારણો સતત મોબાઈલ ઉપયોગ થઈ રહ્યો છે. હું ઘણા બધા દાખલા આપી શકું તેમ છું. હું એક લગ્નમાં ગયેલો ત્યાં એક ભાઈ મોબાઈલ પર વાત કરતા હતા એ ભાઈએ એમ કહ્યું કે હું અત્યારે એક ખાસ કામે અમદાવાદ મિટીંગમાં બેઠો છું. ફોન કરી રહ્યા પછી મેં લલિતને કહ્યું કે આપણે નવસારી જાનમાં બેઠા છીએ તે એમ કેમ કહ્યું કે અત્યારે સુરત મિટીંગમાં બેઠો છું. આવું જુઠુ કેમ બોલ્યો ત્યારે તેણે કહ્યું કે દાદા એના માટે તો મોબાઈલ છે. લેન્ડ લાઈન ઉપર ખબર પડે કે ઘરેથી બોલ્યા કે ઓફિસથી બોલ્યા પણ મોબાઈલ ઉપર સામાન્ય વ્યક્તિને ક્યાં ખબર પડવાની હતી. પણ મને એમ લાગે છેકે વિજ્ઞાન એવી શોધ કરશે કે ક્યાંથી બોલ્યા અને કેટલા કિ.મી. દૂરથી બોલ્યા તે જાણી શકાશે. આવા અનેક દાખલા આપણે રૂબરૂ જોઈ શકીએ. છીએ. જરૂર હોય કે ન હોય મોબાઈલ પર વાતો કરવાનો એટલો બધો ક્રેઝ વધતો જાય છે કે તેનાથી આપણે વાતોડીયા કરતા થયા છીએ અને જુઠુ બોલતા થયા છીએ.


આ સારી નિશાની નથી હવે ધીરે ધીરે બહુ જ સમજદાર વર્ગમાં આ બાબતની સમજદારી આવવાના કારણે ઘણા લોકો સ્વીચ ઓફ કરીને મોબાઈલ મૂકી દેતા હોય છે. જરૂર હોય તો તેનો ઉપયોગ કરીએ પરંતુ શોખ ખાતર વાત કરવી એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અને સમાજ માટે નુક્સાનકારક છે. સરકાર વિચારી રહી છે કે જાહેર સ્થળો, અમુક જગ્યાએ, ખાસ કરીને વિધાર્થી માટે મોબાઈલ નહીં વાપરવા માટેનો કાયદો ઘડાવાનો સમય આવ્યો છે. મને ભવિષ્યમાં એવું દેખાઈ રહ્યું છે કે કદાચ હું સાચો પડુ કે ખોટો પડુ પણ મોબાઈલ રાખવા માટે કદાચ ભવિષ્યમાં લાયસન્સ લેવું પડશે. આવા દિવસો ન આવે તે જરૂરી છે.
મોબાઈલની શોધ માનવજાત માટે ઘણુ જ ઉપકારક છે. પરંતુ હાલ આ ઉપકરણનો જે ઉપયોગ કરી રહ્યા છીએ તે રીતે તે કદાચ ભવિષ્યમાં ઉપકારક ને બદલે અપકારક ન નિવડે તેની સમજદારી કેળવીને ઉપયોગ કરીએ.
0 Comments